Home Home News News Watch Watch Shorts Shorts Web Stories Web Stories

રુદ્રી શું છે?

11:26 AM Aug 07, 2023 | OTT India

રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
રુદ્રી વિશે કહેવાય છે કે

“રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર”

એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી.

વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે. રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે.
સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:

  • પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
  • બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતી છે.
  • ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે.
  • ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
  • પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતી છે.
  • છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
  • સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે અને,
  • આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે.

આમ આઠ અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે – આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે.
શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ -અવરોહ અને શુધ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.

પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિને નમક – ચમક કહે છે. હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે .

  • લઘુરુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને
  • મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરુદ્ર કહે છે.
  • રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
  • રુદ્રના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
  • રુદ્રના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
  • રુદ્રના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
  • રુદ્રના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
  • રુદ્રના ૯૯ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.
    રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વ શ્રેષ્ઠ રીત છે, કેમકે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોય સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુધ્ધ વખતે અર્જુનને બતાવેલ ૧૧ મંત્રોના સમૂહ ને “પુરાણોકત રુદ્રાભિષેક” કહે છે. આ પાઠ ૧૧ વખત કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકોમાં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રોની રુદ્રીની મજા જ અનેરી છે.

સમય અભાવે કે અન્ય કારણોસર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાયના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન-બુધ્ધિ -કવચ-હ્રદય-નેત્ર તેમજ રિલેશનની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રીનો સળંગ પાઠ કલ્યાણ કારી છે. – અસ્તુ.
મહાદેવ હર – જય સોમનાથ.

The post રુદ્રી શું છે? appeared first on otthindi.